વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ફરી સક્રિય બનતા રાજ્યમાં કાતિલ શિત લહેર
- અમદાવાદમાં એક દિવસમાં ત્રણ ડીગ્રી તાપમાન ઘટીને ૭ ડીગ્રી
રાજ્યભરમાં વ્યાપેલી કાતિલ ઠંડી સોમવારે પણ ચાલું રહી હતી. ઉત્તર ભારતમાં થયેલી હિમ વષૉ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ફરી સક્રિય બનતા આજે પણ સમગ્ર રાજ્યમાં ભારે ઠંડીનો અનુભવ થયો હતો. ભારે ઠંડીથી રાજ્યના જનજીવનને ભારે અસર પડી હતી.
સૌરાષ્ટ અને કચ્છમાં સુસવાટા મારતા ઠંડા પવન સાથે ઠંડીનો કેર યથાવત રહ્યો હતો. નલિયામાં ત્રણ ડીગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં એક જ દિવસમાં ત્રણ ડીગ્રી તાપમાન ઘટતા શહેરીજનોને હાડથિજાવતી ઠંડીનો અનુભવ થયો હતો. ઉત્તર ગુજરાત સહિત રાજ્યનાં બીજા ભાગમાં પણ ઠંડીની માત્રામાં ખાસ ઘટાડો થયો ન હતો. દરમિયાન હવામાન ખાતાએ આગાહી કરી હતી કે બે દિવસ બાદ ઠંડીની માત્રામાં ઘટાડો થવાની શક્યતા છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ફરી સક્રિય થતા બે-ત્રણ દિવસનાં વિરામ બાદ રાજ્ય ફરીવાર ઠંડીમાં સપડાયું હતું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની નવી સિસ્ટમ સર્જાતા હિમાલય તરફની ઠંડી પવનોએ પંજાબ, રાજસ્થાન સહિત ગુજરાતને પણ થીજવી દીધું હતું. આ ઠંડા પવનની સૌથી મોડી અસર કચ્છ, ઉત્તર ગુજરાત અને અમદાવાદ સહિત મધ્ય ગુજરાત ઉપર ભારે પડી હતી.
હિમ પવને કારણે છેલ્લા બે દિવસમાં મોટાભાગના શહેરના સરેરાશ તાપમાનમાં ચારથી પાંચ ડીગ્રીનો ઘટાડો નોંધાયો હતો. ભારે ઠંડી અંગે હવામાન ખાતાના ડાયરેકટર કમલજીત રેએ જણાવ્યું હતું કે, ‘ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની નવી સિસ્ટમ ઉદભવી હોય રાજ્ય ઠંડીમાં સપડાયું રહ્યું છે. આવતા બે દિવસમાં ઠંડીમા ઘટાડો થશે.’
No comments:
Post a Comment