

ક્યારેક ભોજન પ્રત્યે વધારે પડતી સભાનતા દાખવીને અત્યારે પાતળા રહેવાની કે ‘ઝીરો’ ફિગરની લાલચમાં યુવતીઓ જાણીજોઇને ભૂખી રહે છે. આના લીધે તેઓ એકથી વધારે બીમારીઓનો ભોગ બને છે અને લાંબા ગાળે શરીરને નુકસાન પહોંચાડે છે, તેની તેમને ખબર નથી હોતી.
જ્યારે વજન ઉતારવાની વાત કરીએ, ત્યારે તેને લગતા ડિસઓર્ડરને યાદ કરવા જ પડે છે. ઘણાં કહે છે કે મને ભૂખ જ નથી લાગતી. જ્યારે કોઈ બીજી બીમારી ના હોય ત્યારે તેમાં ડાયટને લગતાં રોગો હોવાની સંભાવના વધી જાય છે. આ બધાંમાં સૌથી ગંભીર બીમારી એનોરેક્સિયા નરવોસા અને બુલિમિઆ નરવોસા છે. બંને ખૂબ ગંભીર બાબતો છે અને ખોરાકની આસપાસ જ તેનો જન્મ થાય છે. વધુ પડતા માનસિક સ્ટ્રેસ દરમિયાન આ બીમારી દેખા દે છે. ખાસ કરીને ટીનેજર છોકરીઓમાં આ વધુ પ્રવર્તે છે. અત્યારે પ્રવર્તી રહેલા ઝીરો ફિગરના તેમ જ વધુ પડતા પાતળા રહેવાના ક્રેઝને કારણે આ બીમારી થાય છે.
એનોરેક્સિયા નરવોસા
એનોરેક્સિયાનો અર્થ છે, ‘ભૂખ ન લાગવી’, પરંતુ આ રોગ ફક્ત ભૂખ ના લાગવા સુધી સીમિત નથી. આને ઘણી વખત ‘સ્લીમર્સ ડિસીઝ’ કહેવામાં આવે છે, પરંતુ એનોરેક્સિયાના પેશન્ટ ‘સ્લીમ’ શબ્દનો અર્થ જ બદલી કાઢતા હોય છે.
એનોરેક્સિક લોકો પોતાનો ખોરાક એકદમ ઓછો કરી નાંખે છે. તેમના માટે ‘પાતળા હોવું’ એ જ સુંદરતા છે અને તેઓ ખોરાકથી ડરે છે કે કંઈ પણ ખાઈશું તો ‘જાડા’ થઈ જઈશું. એનોરિકસયાના પેશન્ટ જલદી ડોક્ટરની મદદ પણ લેતા નથી. આવા રોગી અરીસામાં જ્યારે પણ જુએ ત્યારે પોતે જાડા છે તેવું જ તેમને લાગે છે. તેઓ ખોરાક લેવાનું ટાળે છે અને વધુ પડતી કસરત કરે છે. તેમને વારંવાર જુલાબ લેવાની ટેવ હોય છે અને થોડું ખવાઈ જાય તો ઊલટી કરી દે છે. આવું કરવાને કારણે તેમને માસિકના પ્રોબ્લેમ થાય છે. બ્લડ પ્રેશર લો થઈ જાય છે, તેમનામાં વિટામિન અને મીનરલ્સની ખામી ઉપરાંત લોહી પણ ઓછું થઈ જાય છે. આવા લોકો ડિપ્રેશનના શિકાર હોય છે. એનોરેક્સિયાના પેશન્ટને ડોક્ટરની સ્પેશિયલ કેરમાં રાખવા પડે છે.
બુલિમિઆ નરવોસા
બુલિમિઆનો અર્થ ‘વધુ પડતી ભૂખ લાગવી’ થાય છે. બુલિમિઆના દર્દીઓને વધુ પડતી અને વારંવાર ભૂખ લાગતી હોય છે. તેથી તેઓ ગમે તે ખાઈ લે છે, પરંતુ પછી વધુ પડતાં જુલાબ લેવા માંડે છે અને ખાધા પછી મોઢામાં આંગળી નાખીને બધું જ ખાવાનું ઉલટીઓ કરીને કાઢી નાંખે છે. બુલિમિઆ થવાનું મુખ્ય કારણ પાતળા રહેવાનું વધુ પડતું દબાણ હોય છે. ક્રેશ ડાયટ અને તદ્ન ભૂખ્યા રહીને વજન ઉતારવાનો પ્રયત્ન કરે છે. તેમને પેટના રોગો, મોંના ચાંદા, ગેસ્ટ્રિક પ્રોબ્લેમ, સાંધાના સોજા, અનિયમિત માસિક અને ગમ્સના પ્રોબ્લેમ થાય છે. કબજિયાત પણ રહે છે. આવા રોગીઓને સાયકોથેરેપી અથવા કાઉન્સેલિંગથી સુધારી શકાય છે.
બીન્જ ઈટિંગ
ત્રીજા પ્રકારનો ડિસઓર્ડર હમણાં જ છુટો પાડવામાં આવ્યો છે. આ પ્રકારનો ડિસઓર્ડર મોટી ઉંમરના પુરુષો અને સ્ત્રીઓ બંનેમાં જોવા મળે છે. વધુ પડતા ડાયટિંગનો પ્રયત્ન કરવા છતાં વજન ઓછું કરવામાં સફળ ન થઈ શકતાં પુરુષો અને સ્ત્રીઓ બીન્જ ઈટિંગના શિકાર બને છે. ભૂખ મારવાના જાતજાતના કીમિયા જેમ કે શાકભાજી, સૂપ વગેરેનો વધુ ઉપયોગ અને ભૂખ મારવાની દવાઓ આવા લોકોને લેવા લાગે છે, પરંતુ આવી વ્યક્તિ જ્યારે વ્યવસ્થિત ડાયટ કરી અને વજન ઘટાડી શકે ત્યારે આ ડિસઓર્ડરમાં ઘટાડો થાય છે. જોકે વારંવાર ખાવાની આદતને કારણે ફરી તેના શિકાર બને છે.
No comments:
Post a Comment