Sunday, September 12, 2010

મુંબઈ હુમલામાં પાક.ને દોષિત ન ઠેરવો : સલમાન


પાક. ટીવીને આપેલી મુલાકાતમાં સલમાનના નિવેદનથી વિરોધનો વંટોળ, લાગણી દુભાઈ હોય તો સલમાન માફી માગવા તૈયાર : સલીમ ખાન

ધનવાનોને નિશાન બનાવાયા એટલે બધા જાગ્યા, હુમલા તો અગાઉ પણ થયા હતા તેવા સલમાનના નિવેદન સામે તીવ્ર રોષ

મુંબઈમાં ૨૬-૧૧ના હુમલામાં ધનવાન લોકોને નિશાન બનાવાયા તેને કારણે જ આટલો ચગાવાયો તેવું સ્ફોટક નિવેદન કરનારા બોલિવૂડ સ્ટાર સલમાન ખાન સામે રોષ ભભૂક્યો છે. સલમાને પાકિસ્તાનની એક્સપ્રેસ ચેનલને મુલાકાતમાં એવું જણાવ્યું છે કે તે હુમલામાં પાકિસ્તાની સરકારને દોષ આપવો ન જોઈએ.

ભારતની સુરક્ષા વ્યવસ્થામાં ખામીને દોષ આપવો જોઈએ. ભાજપ અને શિવસેના સહિતના પક્ષોએ સલમાનને માફી માગવા કહ્યું છે. ખુદ સલમાનના પિતા સલીમખાને પણ કહ્યું છે કે સલમાને માફી માગવી જોઈએ.તીવ્ર પ્રતિક્રિયા સલમાનના આ નિવેદન સામે વિવિધ પક્ષો અને લોકોની તીવ્ર પ્રિતક્રિયા આવી છે.

બેજવાબદાર ટિપ્પણી બદલ સલમાન માફી માગે: શાહનવાઝ હુસૈન
સલમાન ખાને બેજવાબદાર ટિપ્પણી કરી છે. વળી, તેય પાકિસ્તાન ચેનલને મુલાકાતમાં તેણે આવી ટિપ્પણી કરી છે. આતંકવાદી હુમલામાં ધનવાનોને ફક્ત લક્ષ્ય બનાવાયા હતા એવું તે કઈ રીતે કહી શકે? શું રેલવે સ્ટેશન પર આમઆદમી અને સુરક્ષા રક્ષકો પણ માર્યા ગયા તેનાથી તે વાકેફ નથી? તેને આઈએસઆઈ અને પાકિસ્તાની સરકારને ક્લીન ચિટ આપવાનો કોઈ અધિકાર નથી. તેણે તાત્કાલિક માફી માગવી જોઈએ, એવી માગણી ભાજપના પ્રવક્તા સૈયદ શાહનવાઝ હુસૈને કરી હતી.
તમામ આરોપ આઈએસઆઈ અને પાકિસ્તાન પ્રત્યે અંગુલીનિર્દેશ કરી રહ્યા છે ત્યારે સલમાનની આવી ટિપ્પણી અત્યંત બેજવાબદાર છે. આને કારણે ભારતનો કેસ નબળો પડી શકે અને પાકિસ્તાનનો કેસ મજબૂત બની શકે. સલમાન ભારતીય સેલિબ્રિટી છે અને તેણે આવું વિધાન કરીને ઘણા ભારતીય ચાહકોને નિરાશ કરી દીધા છે. જો આજે પોટા હયાત હોત તો તે જેલના સિળયા ગણતો હોત, એમ હુસૈને જણાવ્યું હતું.સલમાને આવી બયાનબાજી કરવાને બદલે ફિલ્મ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, એમ પણ તેમણે જણાવ્યું હતું.
સલમાને પિતા સલીમની પાઠશાલામાં રાષ્ટ્રવાદના પાઠ શીખ્યા નથી: શિવસેના
શિવસેનાના પ્રવકતા સંજય રાઉતે જણાવ્યું કે સલમાન ખાને પિતા સલીમની પાઠશાલામાં રાષ્ટ્રવાદના પાઠ ઓછા શીખ્યો છે એમ જણાય છે. તેના ઘરે ગણપતિ આવ્યા છે ત્યારે તેને ભગવાન બુદ્ધિ આપે એવી આશા રાખું છું. પાકિસ્તાનમાં ભારતીય સંગીત, ફિલ્મ પર બંધી છે તો સલમાનની મુલાકાત ત્યાં કઈ રીતે પ્રસારિત કરાઈ તે પણ વિચારવાનો પ્રશ્ન છે. આતંકવાદી હુમલાનું તો કોઈ સમર્થન કરશે નહીં.
હુમલો તાજ, ઓબેરોય કે ગમે ત્યાં હોય, તે દેશ પર થયેલો હુમલો છે. શું છત્રપતિ ટર્મિનસ પર અંબાણીઓ રહે છે, શું કામા હોસ્પિટલ ખાતે ટાટા - બિરલા રહે છે? આતંકવાદીઓએ દરેકને લક્ષ્ય બનાવ્યા હતા. બધા ખાનને શું થાય છે ખબર નથી. તેમના મોઢેથી આવી વાતો નીકળી પડે છે કે પ્રસિદ્ધિ માટે તેઓ આવું કરે છે તે સંશોધનનો વિષય છે. હાલમાં બે આતંકવાદી મુંબઈમાં ઘૂસ્યા છે તેમને જઈને સલમાન મળે અને ક્યા વિસ્તારમાં ગરીબ અને ક્યા વિસ્તારમાં ધનવાનો રહે છે તે તેમને બતાવે, એમ તેમણે ટીકા કરીને સલમાને દેશની માફી માગવી જ જોઈએ એમ જણાવ્યું હતું.
મુખ્ય પ્રધાન- ઉપ મુખ્ય પ્રધાને પણ સલમાનને વખોડ્યો
મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણે જણાવ્યું હતું કે સલમાને આવું ક્યા પરિપ્રેક્ષ્યમાં જણાવ્યું તેની જાણ નથી, પરંતુ દેખીતી રીતે જ આતંકવાદી હુમલામાં તાજ અને ઓબેરોયને જ લક્ષ્ય બનાવાઈ હતી એવું નહીં કહી શકાય, કારણ કે સીએસટી સ્ટેશન પર પણ હુમલા થયા હતા, જ્યાં દરેક ધર્મ અને વર્ગના લોકોની અવરજવર રહેતી હોય છે. ઉપ મુખ્ય પ્રધાન છગન ભુજબળે જણાવ્યું હતું કે કોઈએ પણ આવું બેજવાબદારીભર્યું નિવેદન ન કરવું જોઈએ. આ બહુ જ સંવેદનશીલ મુદ્દો છે. સલમાને તેના કામમાં ધ્યાન આપવું જોઈએ અને આવા વિવાદોમાં ન પડવું જોઈએ.

અરબાઝ ખાને ભાઈનો બચાવ કર્યો

ભાઈ અરબાઝ ખાને સલમાનનો બચાવ કર્યો હતો. સલમાનનો આવું કહેવા પાછળ કોઈ બદઈરાદો નહોતો. દરેકનું જીવન મહત્વનું છે તે સૌકોઈ જાણે છે. કલાકારોને રાજકીય સવાલો ન પૂછવા જોઈએ એવી સલાહ પણ તેણે આપી હતી.

અભી બોલા અભી ફોક: સલમાને ટ્વિટર પર ફેરવી તોળ્યું
વિવાદ ઘેરો બન્યા બાદ સલમાને રવિવારે બપોરે ફેરવી તોળ્યું હતું. દરેકનું જીવન કીમતી છે. દુનિયાના કોઈ પણ ખૂણે થતા હુમલાને સમર્થન આપી નહીં શકાય. હવે પછી હું બધા જ ઈન્ટરવ્યુ જાતે રેકોર્ડ કરીશ, એવો જવાબ તેણે આપ્યો હતો.

No comments:

Post a Comment