સલમાન ખાનની એક્શન-પેક્ડ મસાલા મૂવી ‘દબંગ’ બોક્સ-ઓફિસ પર પણ ‘દબંગ’ સાબિત થઇ છે. આ ફિલ્મે ફર્સ્ટ ડે કલેક્શનમાં આમિર ખાનની સુપરહિટ ફિલ્મ ‘૩ ઇડિયટ્સ’ને પણ પાછળ છોડી દીધી છે. ‘૩ ઇડિયટ્સ’ ફિલ્મે રજૂઆતના પ્રથમ દિવસે ૧૩ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો, જે બોલિવૂડના ઇતિહાસમાં કોઇ પણ ફિલ્મનો સૌથી વધુ ફર્સ્ટ ડે બિઝનેસ હતો. જોકે, ‘દબંગ’નો ફર્સ્ટ ડે બિઝનેસ ૧૪ કરોડ રૂપિયા રહ્યો છે અને તેણે ‘૩ ઇડિયટ્સ’ના પણ દાંડિયા ડૂલ કર્યા છે.
રજૂઆત પૂર્વે પ્રેક્ષકોમાં ખૂબ જ ઉત્સુકતા જગાવનારી ‘દબંગ’ દેશના કુલ ૧,૫૮૪ થિયેટરોમાં રજૂ થઇ છે અને લગભગ તમામ થિયેટરોમાં પ્રથમ ત્રણ દિવસ (શુક્ર, શનિ, રવિ)ના તેના બધા જ શો હાઉસફૂલ રહ્યા છે. સિંગલ સ્ક્રીન થિયેટર હોય કે મલ્ટિપ્લેક્સ, પ્રેક્ષકો સલમાનને રોબિનહૂડ પાન્ડેના રોલમાં એક્શન સ્ટાર તરીકે તાળીઓ અને સીટીઓથી વધાવી રહ્યા છે. સામાન્ય રીતે મલ્ટિપ્લેક્સ થિયેટરમાં તાળીઓ, સીટીઓ ભાગ્યે જ વાગતી હોય છે પરંતુ સલમાનના જાદુએ સિંગલ સ્ક્રીન અને મલ્ટિપ્લેક્સ વચ્ચેની ભેદરેખા જ ભૂંસી નાખી છે.
· રોબિનહૂડ પાન્ડેએ ફર્સ્ટ ડે કલેક્શનમાં ‘૩ ઇડિયટ્સ’ને પણ પછાડી
· સલમાનને એક્શન સ્ટાર તરીકે મલ્ટિપ્લેક્સના પ્રેક્ષકોએ પણ તાળીઓ, સીટીઓથી વધાવ્યો
‘દબંગ’ આ વર્ષની બિગેસ્ટ ઓપનર (રજૂઆતના દિવસે સૌથી વધુ બિઝનેસ કરનારી ફિલ્મ) પણ છે. અત્યાર સુધી પ્રકાશ ઝાની મલ્ટિ-સ્ટારર ફિલ્મ ‘રાજનીતિ’ આ વર્ષની બિગેસ્ટ ઓપનર હતી પરંતુ હવે ‘દબંગ’ તે મુકામ પર પહોંચી ગઇ છે. ‘રાજનીતિ’એ રજૂઆતના દિવસે ૧૦.૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.
‘વોન્ટેડ’ની માફક ‘દબંગ’ પણ ઇદ-ઉલ-ફિત્રના તહેવાર પર રિલીઝ થઇ હોવાથી શનિ-રવિના કલેક્શન્સ પણ ખૂબ સારા રહેવાનો અંદાજ છે.
રજૂઆતના દિવસે જબરદસ્ત બિઝનેસ કરનારી તાજેતરના ભૂતકાળની અન્ય ફિલ્મોમાં ‘કાઇટ્સ’ (૧૦.૫ કરોડ રૂપિયા) ‘હાઉસફુલ’ (૧૦ કરોડ રૂપિયા) અને ‘ગજની’ (૯ કરોડ રૂપિયા)નો સમાવેશ થાય છે.
ટોપ 5 ઓપનિંગ ફ્રાઇડે
ફિલ્મ | બિઝનેસ (રૂ.માં) |
દબંગ | ૧૪ કરોડ |
૩ ઇડિયટ્સ | ૧૩ કરોડ |
રાજનીતિ | ૧૦.૫ કરોડ |
કાઇટ્સ | ૧૦.૫ કરોડ |
હાઉસફુલ | ૧૦ કરોડ |
No comments:
Post a Comment